ગામના છેવાડે આવેલાં કૃષ્ણ મંદિરમાં મીરાં ભક્તિભાવથી મંદિરનું સઘળું કામ કરતી હતી. મંદિર પરિસરમાં સફાઈ કરી પોતું મારી, પૂજારીને ગર્ભગૃહમાં કૃષ્ણને શણગારવામાં મદદ કરતી. પછી આરતી કરી પ્રસાદ લઈ ઘરે જતી.
"બેટા, તુ રોજ મંદિરમાં પ્રભુની આટલી સેવા કરે છે, છતાં કાનો તારા પર કેમ પ્રસન્ન નથી થતો? તારા માટે જે માંગા આવે છે એ બધાં કેમ ના પાડે છે?" કરુણાબેન દીકરીને પૂછતાં હતાં.
"મા, હું કંઈ મારા લગ્ન થઈ જાય એના માટે થોડી કાનાની પૂજા કરું છું?" મીરાં ઠાવકાઈથી માને જવાબ આપતી પણ એનું હૈયું તો તરણેતરના મેળામાં ભેળાં થયેલા ગોપાળ પાસે પહોંચી જતું.
બે વર્ષ પહેલાં સખીઓ સાથે તરણેતરના મેળામાં એની અને ગોપાળની નજર મળી હતી, બંને યુવાન હૈયા એકબીજાને દિલ દઈ બેઠાં. બે દિવસ બંને સાથેને સાથે હર્યા ફર્યા. ગોપાળે એને સરસ આભલા ભરેલી ચૂંદડી અને રંગબેરંગી બંગડીઓ લઈ આપી. મીરાંએ ગોપાળને એક વાંસળી અપાવી. ગોપાળે એને વચન આપ્યું કે થોડા દિવસ પછી એ પોતાના માબાપુને લઈને એના ઘરે એનો હાથ માંગવા આવશે.
ગોપાળથી વિખૂટાં પડવાનું મીરાંનું જરાય મન નહોતું પણ ના છૂટકે રડતી આંખે ગોપાળથી છૂટી પડી. ગોપાળે એને છાતીસરસી ચાંપી વિદાય આપી. "ગોપાળ, તારા વિરહમાં હું ગાંડી ન થઈ જાઉં તે જોજે. તુ વહેલેરો આવી જાજે."
સમય વીતતો ગયો, એક મહિનો, બે મહિના પણ ગોપાળના એના માબાપુને લઈને આવવાના કોઈ એંધાણ વર્તાતા નહોતા. એક દિવસ ગોપાળના ગામમાં જ પરણેલી એની સખી શારદા આવી. એણે જે વાત કરી તે સાંભળી મીરાંએ મનમાં નક્કી કરી લીધું કે હવે તો,
*મેરો તો ગીરધર ગોપાલ, દૂસરો ન કોઈ.
મનથી એ ગોપાળને જ પોતાનો સ્વામી માની ચૂકી હતી. એટલે જે મુરતિયો એને જોવા આવે તેને એમ જ કહેતી, "હું તો મીરાંબાઈની જેમ કૃષ્ણને જ મારો પતિ માનું છું, એટલે તમને સંસાર સુખ આપી શકીશ નહિ." એની વાત સાંભળીને જોવા આવનાર સામેથી જ ના પાડી દેતો.
વર્ષો વીતતાં ગયાં મીરાં, મીરાંમાંથી ગામના લોકો માટે મીરાંબા બની ગયાં પણ એની આંખમાં હજી એ જ ઘેલછા દેખાતી હતી, જે પહેલી વખત ગોપાળને જોઈને એની આંખમાં ઉભરી આવી હતી. ઘણીવાર એ આભલા ભરેલી ચૂંદડી છાતીસરસી ચાંપી, રંગબેરંગી બંગડીઓ ખનકાવતી ગામની ગલીઓમાં, "મેરો તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ." ગાતી ભટકતી રહેતી. દીકરીને પરણાવાની હોંશમાં એની મા તો બિચારી પ્રભુના ધામમાં પહોંચી ગઈ હતી. દુનિયાદારીનું ભાન એ ભૂલાવી ચૂકી હતી.