હાસ્ય સ્ફુરણ
ગીગો બાથરૂમમાં નાહવા પેઠો હતો બાથરૂમ માં મળતી એકલતાનો લાભ લઈ ને મોબાઈલમાં ફિલ્મી મેગેઝીનમાં
અભિનેત્રી ઓના સુંદર ફોટા જોઈ એમની સાથે જાતને કલ્પનામાં ગોઠવવામાં મશગૂલ હતો ત્યાં તો એને બહાર થી ચંડિકાની બૂમ સંભળાઇ, "બહાર નીકળ, આજે તો તને બરાબર પાંસરો કરું છું." ગીગાને થયું માર્યા ઠાર!
ખરેખર તો એની પત્ની નું નામ ચંદ્રિકા હતું પણ અપલખણા ગીગલાને એ ચંડિકા લાગતી.મોબાઈલ બંધ કરી ટુવાલથી લુછી હાંફળો ફાંફળો ટુવાલ શરીર પર વીંટતો હતો ત્યાં તો ધમપછાડાના અવાજો સાથે કામવાળા જીવલાને કહેતાં સાભળ્યો, "આજે તો બરાબર નો ફટકારો મેડમ !"
"તારી જાતનો જીવલો મારું" એમ મનમાં બબડ્યો ત્યાં તો ફરી બૂમ પડી , "એ ..ય બાથરૂમમાં થી બહાર નીકળો જલ્દી!" ગીગલાને થયું આજે આપણા બાર વાગ્યા સમજો, બહાર નીકળવું સલામત નથી પણ નીકળ્યા વગર છૂટકો નથી.બારણાંમાં થી ડોકું કાઢી બને તેટલો
નિર્દોષ ચહેરો બનાવી એણે પુછ્યું,"શું થયું ચંદ્રિ?" ચંદ્રિકાએ એની સામે સાવરણી ધરી ને સૂપડી માં અધમૂઓ થયેલો ઊંદર ધર્યો. "આને ફેંકવા તમારે જવાનું છે, ક્યારનો પજવતો હતો આજે આ જીવાની મદદથી
બરાબર કર્યો, હવે ઘરમાં ભૂલેચૂકે ય દાખલ થવાનું નામ નહીં લે" ગીગો બાઘાની જેમ એને તાકી રહ્યો.