ફોટોગ્રાફ
આજે વર્ષો પછી આ ફોટો હાથમાં આવ્યો, જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ.
હજીએ મને એ પળો ધૂંધળી ધૂંધળી યાદ છે. એ દિવસે હું પહેલી વાર કેમેરો લાવ્યો હતો. સુમીતના મમ્મી ખૂબ જ ખુશ હતા કારણ કે આ કેમેરામાં સુમીત નું બાળપણ અમે સાચવીને રાખવાના હતા.
એ કેમેરામાં સૌથી પહેલો ફોટો એ જ પડ્યો હતો જેમાં સુમીતના મમ્મી રોટલી બનાવી રહ્યા હતા અને સુમીત એમની બાજુમાં બેઠો હતો.
એના ચહેરા પર ખુશી ખાસ દેખાતી હતી જે એણે એના મમ્મીનાં હાથની રોટલી ખાઈને મળતી હતી અને એ જોઈને હું પણ ખુશ હતો.
એ કેમેરામાં એવી તે કેટલીયે યાદો સાચવીને રાખી હતી, અને આજે એ યાદો મારા માટે ખજાના રૂપ હતી. જ્યારે પણ એ ખજાનો બહાર આવતો હું ફરી થી ભૂતકાળમાં ખોવાઈ જતો.
આજે સુમીતના મમ્મીને ગયે આજે વર્ષ થઈ ગયું છતાં પણ આજે એની બધી જ યાદો મારી પાસે છે. સુમીતના મમ્મીનાં ગયા પછી નીતિએ ઘરને સારી રીતે સાંભળી લીધું હતું. પણ આજે એની બહુ જ યાદ આવી રહી હતી.
એટલામાં મારો પૌત્ર યુગ આવ્યો અને મને કહે "દાદાજી, ચાલો આપણે એક સેલ્ફી લઈએ." આ જોઈ યાદ આવ્યું કે હવે તો મોબાઇલનો જમાનો આવી ગયો.
તરત જ ફોટા પાડી યાદો ને ઝટથી સાચવી શકો છો પણ જે યાદો મનના કેમેરામાં સચવાયેલી હોય એ હંમેશા માટે રહે છે.
- કિંજલ પટેલ (કિરા)