ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું;
રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું.
ઉપદેશ ઈશ કેરો આપું છું નાસ્તિકોને,
પત્થર જો થઇ શકે તો હીરા કરી રહ્યો છું.
વર્ણન નથી હું કરતો આદમના અવગુણોનું
મારી જ જીભે મારી નિંદા કરી રહ્યો છું.
એ રીતથી ઉપાડ્યા આજે કદમ મેં ‘નાઝિર”;
ધરતીથી જાણે છૂટા-છેડા કરી રહ્યો છું.