ફરીથી રાત એ આવે
દિવસ એવો ફરી આવે.
તમે હો પાસમાં ને
આંખમાં આંસુ તરી આવે.
તમારા સ્થાન વિશે જો કહું
તો એજ છે શાયદ;
પેલા પૃથ્વીના ગોળાની વચાળે
જે ધરી આવે.
ખુલીને કોઈને હસતાં હું જ્યારે
જોઉં છું ત્યારે;
મને વીતી ગયેલી જિંદગાની
સાંભરી આવે.
હજીયે શ્વાસમાં મારા હશે
ભીનાશ જેવું કંઈ;
નહીં તો આ બહારો આમ
ક્યાંથી પાંસરી આવે?
બીજા દ્વારા જે આવે છે
મને એનો જ વાંધો છે;
નથી તકલીફ જો કોઈ
કસોટી પાધરી આવે.
બહિર્મુખી નથી હું થઈ શક્યો
બસ એજ કારણથી;
અહીં ભોળા હૃદય માથે
સજાઓ આકરી આવે.
દિવસમાં પણ મને અહેસાસ
રાતોનો થયા કરતો;
ને આવે રાત તો ઈચ્છા થતી
કે આખરી આવે.
કોઈ ઈર્ષ્યા નથી કિંતુ
બધું જોતાં મને લાગે;
ખુદાને પ્રિય છે એ જે
ગુનાહો આચરી આવે.
નિખાલસતાનો કોઈ અર્થ
ત્યાં રહેતો નથી હોતો;
ખુલાસા આપવાથી જ્યાં
બધા હેતુ સરી આવે.
મજા છે કે મીંચેલી આંખ
જે નિરાંત આપે છે;
ઉઘડતાંવેત એ તોફાન
પોતે આદરી આવે.
કલા એ છે કે છંદોમાં
'અગન' હું ગોઠવી દઉં છું;
હકીકતમાં ડૂમો સચવાય
ત્યારે શાયરી આવે.
-'અગન' રાજયગુરુ
Agan Rajyaguru