જિંદગી તને થેન્ક યુ
એક કપ કોફી, મૂશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર. બીજું જોઈએ શું ?
એક લોંગ ડ્રાઈવ, એક ગમતો રસ્તો અને એક ગમતું ગીત. બીજું જોઈએ શું ?
કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને, દુનિયાને ભૂલી જઈ શકું તો જિંદગી તને થેન્ક યુ.
એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઉભા રહીને, મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો જિંદગી તને થેન્ક યુ.
એક ગમતો સાથ, એક મનગમતો સ્વાદ અને એક સ્વાદિષ્ટ પકવાન. બીજું જોઈએ શું ?
વર્ષોથી સાચવેલી શ્રદ્ધા, એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ભગવાન. બીજું જોઈએ શું ?
ગમતા લોકોની હાજરીમાં, મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું, તો જિંદગી તને થેન્ક યુ.
જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.
એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપર સ્ટાર. બીજું જોઈએ શું ?
કેટલાક ગમતા લોકો, હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર. બીજું જોઈએ શું ?
તેં આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું.
મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો મેં અનેક વાર કરી છે તને,
પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો.
દૂર સુધી દોડ્યા પછી, હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.