*21 ગઝલ 15*
અમસ્તાં એ તો આવીને ઊભાં'તાં એની બારીમાં !
એ ઘટના રોજ ઢગલો સળ કરે મારી પથારીમાં !
પવનની પાંખ પર બેસી અડેલી ઓઢણી એની,
મને પરસેવો વાળી ગઈ સવારે જાન્યુઆરીમાં !
નીકળતા લોહીનો એક જ ફરક છે ! કેમ સમજાવું ?
અસર સરખી જ છે તદ્દન, નજરમાં ને કટારીમાં !
હજુ ફૂટતો નથી હું કેમ કૂંપળ થઈ વિચારોમાં ?!
જરા સરખી રીતે વાવો મને આંખોની ક્યારીમાં !!
~ ડૉ.મનોજ જોશી 'મન'