ગઝલ
--------
બચપણ લઈ લ્યો, ઘડપણ લઈ લ્યો, કે ક્ષણ લઈ લ્યો, બબ્બે રૂપિયા
સાત સમન્દર અર્પણ લઈ લ્યો, કંઈ પણ લઈ લ્યો, બબ્બે રૂપિયા
સાંજ નીરવની કે કલરવની સૌને દીધી સરખે ભાવે
મોજ પડે તે, કણ કણ લ્યો કે મણ મણ લઈ લ્યો, બબ્બે રૂપિયા
અઢળક હું વેચાતો આવ્યો, આ જ બજારે, આ જ પ્રકારે
શ્વાસ-વછોયા શિરની સાથે સગપણ લઈ લ્યો, બબ્બે રૂપિયા
અંતરના અણસાર નીરખવા, મૃગજળના પડકાર પરખવા
હાથવગાં આ હૈયા કેરાં દર્પણ લઈ લ્યો, બબ્બે રૂપિયા
.. સુરેન્દ્ર કડિયા