રહે છે
પાણીના સિંચનથી વૃક્ષ નાને થી મોટું થાય છે,
તેથી જ તો લાકડું ડૂબતું નથી તરતું રહે છે.
આભને ચાળી શકવાની ક્ષમતા હોય તો,
તારલા ઓ આંગણામાં જ મળી રહે છે.
જિંદગીને વાંસળી માફક બનાવી શકીએ તો,
ગમે તેટલા છેદ હોય, અવાજ મધુર જ રહે છે.
ભીની આંખો દિલ પાસે ફરિયાદ કરે તો શું થાય?
સપના જોયા હોય, તેના ભાગે રડવાનું રહે છે.
કોઈનો શોર શાંત બેઠો રહ્યો છે તો,
કોઈની ખામોશી બૂમો પાડી રહી છે.
જિંદગી સમય પાસે હિસાબ માંગી રહી છે,
ગીરવે મુકેલા બાળપણને ઉધાર માંગી રહી છે.
હવાની લહેરખી તો તડકામાં પણ હોય છે,
પણ ટાઢક તો છાંયડામાં જ મળી રહે છે.
માણસો મૃગ જેવા મળી રહેતો,
જિંદગી રણ સમાન બની રહે છે.
ઈચ્છા અને ક્ષમતા વચ્ચે અંતર વધવા લાગે તો,
પોતાની અપેક્ષાને સીમિત રાખવાની રહે છે.
ઉર્વશી એચ ત્રિવેદી