ઉદાસી ને ઉત્સાહ, બધું આવવાનું;
જીવન છે, હજી તો, ઘણું આવવાનું.
સહજ માનવીની દશા એ જ છે કે;
"નથી 'હું' પણું" એ પણું આવવાનું.
અગર ના કહું કે તમારું ન કહેશો;
પછી વાતમાં "આપણું" આવવાનું.
બધી વાત સાચી થઈ ઓરડાની;
જતાં વેંત તો આંગણું આવવાનું.
કરી દ્યો પૂરા બંધનો કર્મ કેરા;
ભવોભવ, ફરી માગણું આવવાનું.
ડૉ. મુકેશ જોષી