વિશ્વ પુસ્તક દિવસ
મિત્રો, આજે આપણાં સૌનો પ્રિય દિવસ. હા, બરાબર સમજ્યા. આજે છે 'વિશ્વ પુસ્તક દિવસ'. વિશ્વના મહાન લેખક અને નાટ્યકાર એવા વિલિયમ શેકસપિયરનો જન્મ 23 એપ્રિલ 1564નાં રોજ થયો હતો અને તેમનુ મૃત્યુ પણ આજનાં જ દિવસે 1616માં થયું હતું. આથી તેમનાં માનમાં યુનેસ્કો દ્વારા ઈ. સ. 1995થી 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિન તેમજ કોપીરાઈટ દિન તરીકે મનાવવાનું શરુ કર્યું. ભારતમાં આ ઉજવણી 2001થી થાય છે.
કેટલીક જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે આ દિવસનો મૂળ વિચાર વેલેન્સિયન લેખક વિસેન્ટ કલેવલ એ એન્ડ્રેસનો હતો. તેણે લેખક મિગુએલ દ સર્વેન્ટસ (કે જેનો જન્મ 7 ઓકટૉબર અને મૃત્યુ 23 એપ્રિલે થયું હતું)નાં માનમાં ઉજવવાનું કહ્યું હતું.
લોકોમાં પુસ્તકો વાંચવા માટે ઉત્સાહ જાગે અને લેખકો પ્રત્યે તેમનાં મનમાં સન્માન વધે એ આ દિવસનો મુખ્ય હેતુ છે. આજે ટેક્નોલોજી આટલી બધી આગળ વધી ગઈ છે. પુસ્તકો આંગળીના ટેરવે મોબાઈલમાં મળી રહે છે, તે છતાં પણ પુસ્તકોનું મહત્ત્વ ઓછું થયું નથી. પહેલાનાં સમયમાં જ્યારે કાગળ નહોતા ત્યારે પુસ્તકો તામ્રપત્ર ઉપર લખાતા હતાં. કોઈક ગ્રંથ સ્વર્ણપત્રક પર પણ લખાતા. આજે પણ ઈતિહાસ સાચવી રહેલા પુસ્તકો વિવિધ દેશોની લાયબ્રેરીમાં સચવાઈ રહેલા છે.
પુસ્તક મેળો, પુસ્તક પ્રદર્શન, ગ્રંથ યાત્રાઓ, વિવિધ લેખન સ્પર્ધાઓ કે વાંચન સ્પર્ધાઓ વાચકના વાંચન શોખને જીવિત રાખે છે. પુસ્તકો સંસ્કાર સિંચનનું કામ પણ કરે છે. વાંચેલ લેખમાં કોઈ એક વાક્ય કે પંક્તિ ક્યારેક વ્યક્તિને ઘોર નિરાશામાંથી બહાર લાવીને એક નવી પ્રેરણા આપે છે.
વ્યક્તિની એકલતામાં જો કોઈ શ્રેષ્ઠ મિત્ર બની શકે એમ હોય તો તે પુસ્તક છે. આપણાં પ્રખ્યાત લેખક શ્રી ગુણવંત શાહ તો એમ જ કહે છે કે કોઈ પણ પ્રસંગમાં મોંઘી મોંઘી ભેટ આપવાને બદલે અમૂલ્ય જીવન સંદેશ આપતું કે પછી અન્ય કોઈ રીતે એમને મદદરૂપ થતું હોય એવું પુસ્તક જ ભેટ સ્વરૂપે આપવું.
આજનો દિવસ એ જ્ઞાન અને જ્ઞાનીને સત્કારવાનો દિવસ છે. કોઈ એક પુસ્તક અથવા તો જેટલું શક્ય હોય એટલું વાંચીને ઉજવવો જોઈએ. યુ. કે. અને આયર્લેન્ડમાં એમનો પોતાનો પુસ્તક દિવસ માર્ચમાં ઉજવવામાં આવે છે. સ્પેનમાં બે દિવસની રીડિંગ મેરેથોન યોજાય છે.
આજનો યુગ જ્યારે જ્ઞાન અને માહિતીનો યુગ કહેવાય છે ત્યારે પુસ્તકોનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. સામાજિક જગૃતિનુ કામ પણ પુસ્તકો જ કરે છે.