હોય
આકાશ ભલે ગમે તેટલું મોટું હોય,
આંખોથી દેખાય તેટલું જ આપણું હોય.
'ઘા' અને 'વાહ' વચ્ચેથી નીકળી જાય,
તે જિંદગીના રંગમંચ નો શ્રેષ્ઠ કલાકાર હોય.
જે હથેળીથી દીવાને હવાથી બચાવીએ,
તેજ હથેળીમાં દીવાની દાઝ પડતી હોય.
સપના ભલે સૂકા હોય પણ,
પાણી તો રોજ તાજું જ છાંટવાનું હોય.
ચોર ત્યારે આવે જ્યારે માળા સોનાની હોય,
માખણચોર ત્યારે આવે જ્યારે માળા તુલસીની હોય.
કણ કણમાં કૃષ્ણ મળે જો દિવાની રાધા હોય,
રણ રણ માં કૃષ્ણ મળે જો યોદ્ધા અર્જુન હોય.
મનુષ્ય હોય કે લોખંડ હોય,
તેને કાટ તેની જ હવા થી લાગતો હોય.
ગાડુ ક્યારેક સીધું કે ક્યારેક આડુ ચાલે,
જેના નસીબમાં પાકા રસ્તા જ ન હોય.
બીજાનુ પાણી ત્યારે જ માપવુ,
જ્યારે પોતાને તરતા આવડતું હોય.
સમય તમને સમય આપી શકે,
એટલો સમય પાસે સમય ન હોય.
ઉર્વશી એચ ત્રિવેદી