નમસ્તે મિત્રો.
ગઈ કાલે જ ગુજરાતે એક મહાન કવિ, શાયર અને ગઝલકાર ગુમાવ્યા. જી હા, હું વાત કરી રહી છું ખલીલ સાહેબની. કોઈ કલ્પના પણ ન કરી શકે કે માત્ર ચોથા ધોરણ સુધી ભણેલ વ્યક્તિ આટલી સુંદર રચનાઓ કરીને રાજ્યકક્ષાના એવોર્ડ સુધી પહોંચી જાય. વર્ષ 2004માં એમને કવિ કલાપી એવોર્ડ, 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને 2019માં નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
તેમનો જન્મ 12 ડિસેમ્બર 1935નાં રોજ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં તેમનો ફાળો મહત્ત્વનો ગણાય છે. ખલીલ સાહેબનું સાચું નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. પરંતુ તેમનું ગામ એમને એટલું પ્રિય હતું કે એમણે ગામનાં નામ પરથી જ પોતાનું નામ જ ખલીલ ધનતેજવી રાખી લીધું હતું અને પોતાની તમામ રચનાઓ આ જ નામથી પ્રસિદ્ધ કરી હતી.
તેમણે માત્ર ગઝલ કે શાયરીઓ જ નથી લખી પરંતુ પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણમાં પણ યોગદાન આપ્યું છે. તેઓ ગુજરાત સમાચાર વર્તમાનપત્ર સાથે સંકળાયેલા હતા. ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 'ખુલ્લા બારણે ટકોરા' અને બુધવારની શતદલ પૂર્તિમાં 'ત્રિકોણમાં ચોથો ખૂણો' નામની કોલમોમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા.
તેમની લખેલ નવલકથા 'ડૉ. રેખા' પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. તેમનાં દ્વારા લિખિત ફિલ્મ 'છૂટાછેડા'ને આઠ એવોર્ડ મળ્યા છે. આકાશવાણી અને દૂરદર્શન પર તેમની રચનાઓ રજુ થતી હતી.
સાદગી, સારાંશ, સોગાત, સરોવર, સાંવરિયો, સાયબા, સૂર્યમુખી, સોપાન, સારંગી અને સગપણ એમણે લખેલા ગઝલસંગ્રહો છે.
ડૉ. રેખા, નગરવધૂ, ભરચક એકાંત, છૂટાછેડા, સાંજ પડે ને સૂનું લાગે, લીલોછમ તડકો, એક મુઠ્ઠી હવા, મોત મલકે મીઠું મીઠું, લીલા પાંદડે પાનખર, કોરી કોરી ભીનાશ, તરસ્યા એકાંત, સળગતો બરફ, સફેદ પડછાયા, સુંવાળો ડંખ, સાવ અધૂરા લોક, મીણની આંગળીએ સૂરજ ઉગ્યો, કોરી આંખમાં ભીના સપના અને મુકામ પોસ્ટ ઝાકળ ખલીલ સાહેબ રચિત નવલકથાઓ છે, જેમાંથી નગરવધૂ, લીલા પાંદડે પાનખર અને સાવ અધૂરા લોક ઉપરથી નાટકો બન્યાં છે. આ ત્રણ ઉપરાંત 'પારકી તોય પડોશણ' નામનું નાટક પણ એમણે લખ્યું હતું.
તેમની ગઝલ
અબ મેં રાશનકી કતારોમેં નઝર આતા હું
અપને ખેતોસે બિછડનેકી સજા પાતા હું
ને મશહૂર ગઝલ ગાયક જગજીતસિંહનો અવાજ મળ્યો છે.
એઓ હંમેશા કહેતા કે, 'જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી તો નથી જ.'
🙏ૐ શાંતિ🙏