કવિનું વસુયતનામું.
કદાચ હું કાલે નહી હોઉં,
કાલે જો સુરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સુકવવું બાકી છે.
કાલે જો પવન વાય તો કહેજો કે,
કિશોરવયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પકવ ફળ
હજુ મારી ડાળ પરથી ખેરવવું બાકી છે.
કાલે સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઇ ગયેલા
કાળમીંઢ ઇશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે
કાલે જેો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઇને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે.
કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે,
મારા વિરહી પડછાયાની ચિંતા
હજી પ્રગટવી બાકી છે.
કદાચ હું કાલે નહી હોઉં!
(કવિતાની રોજનીશી, સં. સુરેશ દલાલમાંથી)
(તા.૩૦-૦૫-૧૯૨૧-તા.૦૬-૦૯-૧૯૮૬)
.......સુરેશ જોષી
“અખંડ આનંદ”ફેબ્રુઆરી ૨૦૨૧ માથી સાભાર 🙏