તું તારૂ સંભાળજે, પાછળનું ન જો
આગે આગે દેખીએ, જ્યાં મંજિલ આપણી હો
સન્મુખ દ્રષ્ટિએ ચાલીએ, દ્રષ્ટિ રાખી સ્થીર
પગ ઠેસ લાગે નહી, જે ચાલે ચાલ સધીર
એવા સંગાથે ચાલીએ, તો ભમવાનો ન ભય
સંગાથ રૂડો સાંપડે, રહીએ સાથે દીલ દઈ
રહેતાં તેવાના સાથમાં, હૈયે હર્ષ ઉભરાય
અરસ-પરસ મન મળી જશે, અદ્વૈત દર્શન થાય
મેલા મનનાં માનવી, નહીં વસ્તુ વિવેક
જેમ તેમ વાણી વદે, નહીં નેમ કે નેક
સારું નરસું સૌ કહે, નહી સારાનો સાર
અસારને તે આચરે, અજ્ઞાન સે વહેવાર
નિંદા સ્તુતિ તણી, છે સંસારને ટેવ
આજ નિંદા કરે કોઈ, કાલ સ્તુતિ કહેવ
નિંદા સ્તુતિની ટેવથી, જુવે દુનિયાનાં દોષ
બીજાના ધોબી બની, મેલ ધોવાની હોશ
પરનાં પાપને પોતે ધરે, કરી પાપનો વિચાર
દુ:ખી પોતાના પાપથી, અભાગી નર ને નાર
એવાથી અળગા રહીએ, તેથી કરીએ ન વહેવાર
દુરીજનથી દુ:ખ ઉપજે, ક્લેશ કરે અપાર
નિંદક મિત્ર માનીએ, દેખાડે આપણી ભુલ
આપણે આપણમાં જોઈને, હોઈ તો કરીએ કબુલ
ગુરુ ગોવિંદ ગણપતિ, સમરૂં શારદા માં
અવિચળ વાણી આપજો, ગુરુ ગુણ નિત ગવાય
ગામઠી જ્ઞાન માળા કરૂ, ઉપજે આતમ જ્ઞાન
જ્ઞાને ગોવિંદ જાણીએ, સઘળાં સરે કામ
આ દુનિયાના ખેલ માંહી, બહુ જન્મ ગંવાય
મુઠી સદા ખાલી રહી, હાથ કછુ ન આય
સોડ તાણી સુતો હતો, અજ્ઞાન નિંદ્રા મહી
નિંદ્રામાં સઘળું ગયું, સ્વપ્ન હતું સરકી ગયું