🙏 જેસલ તોરલ 🙏
એવા હાલો રે જઈયે ગુરુના દેશમાં રે,
અને પરદેશી હારે નો હોય પ્રીત.
એવા દેશી રે મળે આપણા દેશના રે,
કરીયે આપણે દલડા કેરી વાત.
હાલો રે...
એવા ગુરુના દેશમાં માન સરોવરા રે,
અને હંસલા બેઠાં એને તીર.
એતો મોતીડાં ચરે સવા સવા લાખના રે,
અને બગલા ઊડી ઊડી જાય રે.
હાલોને...
એવા ગુરુના દેશમાં હીરાના હાટડા રે,
અને વસ્તું ભરી અપરંપાર રે.
એવા સુગરા હશે તો વસ્તું વોહરશે રે,
અને નુગરા જાશે નિરાશ રે.
હાલોને...
એવા ગુરુના દેશમાં આંબા ને આંબલી રે,
અને કોયલ કરે કિલ્લોલ રે.
એવા સૂડા રે હશે તે સાખુ ચાખશે રે,
અને કાગડા ઊડી ઊડી જાય રે.
હાલોને...
એવા ગુરુના પ્રતાપે, "તોરલ" બોલિયા રે,
મારાં સાધુડાનો, અમારાપૂરમાં વાસ.
હાલોને...🙏🙏🙏
રચના : સતી તોરલ