પ્રતિભા.....🌹
મુગ્ધાવસ્થામાં પ્રગટેલી પ્રતિભા,
છુપાઈ ગઈ ઓચિંતી પાનેતર ના પાલવમાં,
અને ન સમજાયો આ ઓચિંતો ભાવ પલટો......
કેનવાસ ,પિંછીઓ અને મેઘધનુષ્ય,
સ્વપ્નમાં ફેરવાઈ ગયા રંગબેરંગી સુગંધી શાકમાં,
અને ન પરખાયો આ સ્વાદ અનેરો......
ગમતી હતી આંકડાઓની માયાજાળ,
અટવાયુ મન સ્વજનોના જીવન કોયડા ઓમાં,
અને ન આવડયું આ ગણિત અટપટું......
પહેલા વરસાદના ફોરા સાથે નાચતું હૃદય,
થઈ ગયું કોરું કટ કપડા સુકવવાની હોડમાં,
અને થાકી ગયા પગ નવું નૃત્ય શીખવામાં.....
એક સાંજે ઓચિંતી આવેલી સંધ્યાએ,
યાદદાસ્ત પાછી લાવી દીધી..... ક્યાં ગઈ પ્રતિભા?,
સૌની ગમતું હસીને સફળ ગૃહિણીએ પ્રતિ પ્રશ્ન કર્યો
કઈ પ્રતિભા?
(સાદર અર્પણ સુખ નામના પ્રદેશમાં વિહરતી ગૃહિણીઓને)