એ સાંકડી ગલી
ઘણે દ્હાડે પસાર થવાનું બન્યું ત્યાંથી
ધોમધખતા તડકામાંય આંખો ઊંચી કરી કરીને
મેં શોધ્યા તમને
ગરમ હવાની હળવી લહેરખી
તમારો ઠંડો સ્પર્શ કરાવી ગઈ
થથરી જવાયું ક્ષણિક
ક્યાંકથી કદાચ તમે જોઈ રહ્યા હોવ મને !
અચાનક પોકારી ઊઠો મારું નામ
ધીમે પગલે પ્રવેશીને તમે મારી સમક્ષ થાઓ તો શું થાય?
ઉઠેલી નજરો ઢળી ન પડે?
વધી ન જાય વર્ષોથી શાંત પડેલા ધબકાર !
કદાચ, સોહામણું સ્મિત આપીને
તમે સ્પર્શો મને, મૃદુ
પીળો ચહેરો હથેળીમાં ભરીને ગુલાબી કરી દો !
થીજી જાય રોમરોમ એ ક્ષણે
તમારો શું ભરોસો !
પળવારમાં અલોપ થઈ જાઓ
હળવું આલિંગન આપીને, હંમેશની જેમ
સ્વપ્નોની જેમ જ વળી
આંખ ઉઘાડું ને બની જાઓ તમે કિરણ
ઊજાસનું, ચાંદનીનું, પ્રેમનું, જીવનનું...
AKAR..