આવું તો એ જ કરી શકે.
છલોછલ ઢળે જ નહીં
ઢળે, તો મને કહે જ નહીં !
ને કહે તોય સંયમથી
એટલો સંયમ કે હોઠ મલકે તો ગાલ સુદ્ધાં જાણે નહીં
ભરબપોરે લમણેથી ટપકતી એકાદ પ્રસ્વેદની બૂંદ પર
કદાચ એનું ધ્યાન જાય
ને માથું ઊંચકે તો ખ્યાલ આવે એને કે
બીજે છેડે
એકટક
એની નમેલી આંખોને જોઈ રહી છું હું
ને ઈચ્છું છું કે ઊંચું જૂએ
ને એને હું યાદ આવું
ને એ કહી ઊઠે કે, 'એય નિર્મોહી ! હું તને યાદ કરું છું'
આવું તો એ જ કરી શકે
નજર ઉઠાવે છે
હું યાદ પણ આવું છું
ને એ કહી પણ દે છે મને
મનમાં ને મનમાં એ ભરપૂર ચાહી લે છે મને
સાવ ક્ષણિક હળવો થઈ
આમ અક્ષરો પાડ્યા છે ને હૈયે હરખ નથી માતો.
'બિન ફેરે, હમ તેરે'
--નિર્મોહી (અનુભવની યાદ હંમેશાં)