એની હવેલી ઊંચી પડી છે ,
દોરી અમારી ટૂંકી પડી છે .
ક્યાં છે ઝલક પણ એની હવે તો,
એની અગાશી સૂની પડી છે.
સૂનો ઝરુખો બારી ય સૂની,
એના વગર છત ઝૂકી પડી છે.
આજે નહીં તો કાલેય આવે,
આશા ઠગારી તૂટી પડી છે.
થાક્યાં નયનને થાકી નજર પણ,
ધીરજ હતી બસ ખૂટી પડી છે.
બાંધી હતી એક ગાંઠ જ્યાંથી,
એ દોરથી પણ છૂટી પડી છે.
દીધા હથેળીને કોલ સઘળા,
વાતો બધીયે જૂઠી પડી છે.
દાજી ચૌહાણ