સુર્યની પહેલી કિરણથી ખીલી ઊઠી છે ઉષા;
હલકા કેસરીયા રંગમાં રંગાઈ ગઇ ચારે દિશા;
ચકલીઓનો ચીં ચીં ચીં ચીં મધુર છે કલરવ;
ઝાંઝરના ઝણકાર સાથે પનિહારીનો પગરવ;
ગાયોનું ધણ ચરાવવા નિકળે છે ગોવાળીયા;
લલકારે એતો નરસિંહ મહેતાના પ્રભાતિયાં;
ધમ્મ વલોણું ધમ્મ કરતાં દહીંને વલોવાય છે;
ખેતરમાં જવા માટે બળદો ગાડે જોતરાય છે;
તળાવની પાળ થી કેટલો સુંદર લાગે સૂર્યોદય;
સુવર્ણ રંગમાં શંખનાદે ગુંજી ઉઠયું શીવાલય;
તુટ્યું જ્યાં શમણું ને એ રમણીય દ્રશ્ય ખોવાયું;
શહેરમાં તો ચારેકોર કોંક્રીટનું જંગલ જ છવાયું;
આંગણ, ચોક ને પાદર આ બધાં ખોવાઇ ગયાં;
નાનકડાં ભુલકાંઓ ચાર દિવાલમાં સમાઇ ગયા;
જીવન એ જીવ્યા જે ગામડામાં જ છે જીવાયું;
શહેરનું જીવન તો તારા મારા માં જ અટવાયું;
શોરબકોર ને ઘોંઘાટમાં જ રહેવાનું રચ્યાપચ્યા;
આમ જ કાઢવાના છે વરસો જે શેષ છે બચ્યા;
ગામડાનું જીવન "વિએમ" યાદમાં જ રહી ગયું;
શહેર કરતાં તો સારું ગામડું એટલું જ કહી ગયું;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)