મને થાય સરવરમાં જળ હોય, પણ એવું હોતું નથી !
ને,લાગે કે આંખો કમળ હોય પણ એવું હોતું નથી !
બધાં અશ્વ દોડે ને ચાબુક વીંઝાય છે પીઠ પર
અને પીઠ પર સૌને સળ હોય પણ એવું હોતું નથી !
નથી હોતું અજવાળું અજવાળા જેવું અહીંયા સતત;
છે અંધાર તો એમાં છળ હોય પણ એવું હોતું નથી !
હું બેઉ કિનારાની વચ્ચે ડૂબી કે તરી ક્યાં શકું ?
હું ઈચ્છું છું, અહીંયા વમળ હોય પણ એવું હોતું નથી !
અહીં આંખોને છેવટે જો મળે તો ઉદાસી મળે ;
ખરેખર પ્રતીક્ષાને ફળ હોય પણ એવું હોતું નથી !
ભરત ભટ્ટ