*ગઝલ - શું કહું*
*મુત્દારીક છંદ -( ગાલગા)4*
===================
શું કહું, કેમ સમજુ આ દુનિયા વિશે ?
શું કહું, ભ્રમ અને મોહ માયા વિશે ?
સુખ અને દુઃખ તો આગળ ને પાછળ થતાં,
શું કહું આમ તડકા ને છાયા વિશે!
ક્યાં સુદામા ને ક્યાં કૃષ્ણની મિત્રતા?
શું કહું રંક ને એક રાયા વિશે?
કર્ણ કે પાર્થ જીતે ફરક શું પડે?
શું કહું મા જણ્યા બેઉં જાયા વિશે?
સ્વર્ણ લંકા બળી ખાખ થઈ ગઈ હતી!
શું કહું એ અનિતીના પાયા વિશે?
રામના રામ અંતે રમી પણ ગયા,
શું કહું સાવ નશ્વર આ કાયા વિશે?
સૂર્ય ઊગે અને રોજ કિટ્ટા કરે,
શું કહું "દીપ" એનાં રિસાયા વિશે?
===================
✍️ "દીપ"