સળગતી પોસ્ટ મુકીને પછી ચાલ્યા જવાનું છે,
જરીક અમથું'ય ઝૂકીને પછી ચાલ્યા જવાનું છે.
ભલે દરબાર હો ઘરબાર હો જાહોજલાલી હો,
નજરથી એય ચૂકીને પછી ચાલ્યા જવાનું છે.
નથી ઈચ્છા પ્રબળ એવી કે કોઈ આવશે અંગત,
સ્વયમમાંથી વસૂકીને પછી ચાલ્યા જવાનું છે.
વરસવું હોય તો વરસે એ બારે મેઘ ખાંગા થઈ,
કે મારે તો ટહુકીને પછી ચાલ્યા જવાનું છે.
નસીબે જે લખ્યાં છે દાણાપાણી તે મળી રહેશે,
મળેલું બૂકી બૂકીને પછી ચાલ્યા જવાનું છે.
-અતીત