ગઝલ.
જિંદગી છે.
રોજ હસવું રોજ રડવું જિંદગી છે.
રોજ પડવું રોજ ચડવું જિંદગી છે.
હાર જેવું જીત જેવું હોય કંઈ ના,
જાત સાથે રોજ લડવું જિંદગી છે.
એક ચપટી ધૂળ માટી રાખ જેવું,
ને અઘાટે ઘાટ ઘડવું જિંદગી છે.
આમ દીસે શૂન્ય સરખું ને છતાં પણ,
શૂન્યમાંથી ખુદનું જડવું જિંદગી છે.
ચોતરફ આ વિસ્તરેલી શૂન્યતામાં,
એક મનનું ક્યાંક અડવું જિંદગી છે.
સાર છે ભૂલી જવામાં યાદને પણ,
એક સપનું હોય કડવું જિંદગી છે.
હાથ પકડી ના શકે તો માફ દાજી,
ના કદી પણ ક્યાંય નડવું જિંદગી છે.
દાજી