🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
રોજમેળ
રોજ સવારે સૂરજ ઊગે છે ઝળહળ સૌને ધરવા.
તું ફૂંકે છે ચલમ સટથી ધૂમાડે ગોટા ચરવા,
એક કણની ડૂંડું બનતું એકલ બીજથી વડલો,
તું બેઠો છો ધાર કાઢીને મૂળથી એને લણવા.
એય મજાની લ્હેરખી આવે છે બારી બહાર,
તું લાગ્યો છો બંધ બારણે AC સરખું કરવા.
સવાર પડતા પંખીઓ કલરવથી ગગન ભરતાં,
તું લાગ્યો છો ઈયર ફોનથી ગીત સૂરને ઝીલવા.
નદી કિનારે પાંખ ઝબોળી ચકલી ચીં ચી કરતી,
તું લાગ્યો છો ધીમા પગલાં લઈને ચાંચો ભરવા.
બે છેડાની વચ્ચે જીવતર આખું જાય છે વહેતું,
નજર કરીને નિરખી લેવું પલપલ લાગી છે ખરવા.
રોજ કબીરો મથ્યા કરતો ચાદર એની વણવા.
તું બેઠો છો કાતર પકડી તારને ખેંચી ગણવા.
ડૉ. ભાવેશ જેતપરિયા
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️