કેટલા દિવસ થઈ ગયા
તુલસીનાં કુંડાને ધ્યાનથી, સ્નેહથી નીરખ્યું નથી મેં
હમણાંથી રોજ સાંજે
ઢીંગલા-ઢીંગલીઓ ઊતરે છે નીચે
સોસાયટીના પ્લે-એરિયામાં બે લસરપટ્ટી મૂકેલી છે એમાં લસરવા
પકડા-પકડી કે લંગડી રમતાં નથી દેખાતાં કોઈ
પણ હું એમને લસરપટ્ટી રમતાંય નથી જોતી !
હું બીઝી હોઉં છું, યુ નો !
મારા હાથમાં એક જૂદું જ રૂપકડું વિશ્વ છે
મોટાભાગનાની જેમ.
એમાં તુલસીનાં ગુણ દર્શાવતી પોસ્ટ પર લાઈક, કોમેન્ટ કરી છે મેં
ને બાળકોનું બાળપણ ન છીનવાય એવા એક ટ્રેન્ડિંગ વીડિયો પર
લાંબો-લચક પ્રતિભાવ પણ લખ્યો છે મેં
કોઈક અજાણ્યું વળી આઈ લવ યુ મોકલે છે ને ઝણઝણી જાય છે હૈયાના તારેતાર
બીજી જ ઘડીએ ઓળખીતો રોજિંદો સાદ પડે કે મારો રૂમાલ નથી જડતો ત્યારે...
આગબબૂલા થઈ જવાય છે
ન મનમાં, ન આચરણમાં - ક્યાંય એક નાનકડું 'સૉરી' નથી આવતું !
શાનદાર ગૃહસ્થી છું, બધું જ આટોપું છું, ફટાફટ...
ગમે ત્યારે રણઝણે પેલા યંત્રનો ટોન
ને ડૂબવું પડે મારે એની લપસણી, ગલીપચી કરતી દુનિયામાં.
લ્યો, આ રોજ કુંડામાં પાણી કેમ નાખવું પડતું હશે ?!
વેસ્ટ ઑફ ટાઈમ...
©અનુ.