આકાશ છે અનંત અને તળ અનંત છે !
તારા વિષેની સર્વ આ અટકળ અનંત છે !
તરવા મથ્યા કરું છું ને ડૂબી જવાય છે !
આંખો અગાધ છે કે અહીં જળ અનંત છે !
પડખું ફરી શકાય એવી શક્યતા નથી ;
એકાદ સ્વપ્ન છે ને એમાં સળ અનંત છે !
અંધાર હુંપણાનો ઢબૂરી દીધો છે મેં;
તું સૂર્ય હોય તોય હશે , છળ અનંત છે!
કોળું , ખરી પડું કે વઢાઉ ફરી ફરી
અશ્વત્થ વૃક્ષ છું હું પ્રતિફળ અનંત છે !
ભરત ભટ્ટ