ગણિકાની મનોવ્યથા
સાંજ પડે ને સત્તર આવે,
કાયમ સઘળાં પથ્થર આવે !
ઉપર હોય સુગંધો મબલક,
અંદર ઠાલું અત્તર આવે !
કાળા, ચીબા ને કદરૂપા,
ગોરા, ઉજળા, સુંદર આવે !
પગલાં સ્હેજ પડે જો બાહર,
ત્યાં તો લાંબુ અંતર આવે !
ના આવે કોઈ સપનાં ઝળહળ,
ના કોઈ રૂડાં અવસર આવે !
રસ્તો ખૂબ કપાયો તો પણ,
ક્યાંય ન પોતાનું ઘર આવે !
એક અભિલાષા છે ઊંડી,
એકવાર તો ઈશ્વર આવે !
સ્નેહલ જોષી