ગઝલ.. ઝૂમી આવ્યો..
ભીનાં સપનાં કોરી આંખે સીંચી આવ્યો.
ખુશ્બુઓમાં રાત આખી મ્હેંકી આવ્યો.
ઓસભીના જ્યાં પરોઢી હો ઉજાસો,
થૈ કિરણ હું દ્વાર તારે ચમકી આવ્યો.
દિવ્યતાઓ ઉર-ઉમંગે કેવી પ્રગટી!
સૂર્ય ભાલે હું ચૂમીને ઉતરી આવ્યો.
ચંદ્ર શીતળતામાં પ્હેલાં પ્હોર લગ જો,
લટ-લટે તારી હું કેવું લ્હેરી આવ્યો.
ઝાંઝવાઈ તપ્ત રણમાં જો બપોરે,
ભીનાં-ભીનાં પગલાં માંડી ઘૂમી આવ્યો.
ધ્યાન-અવકાશે "કંવલ" હું શૂન્ય થૈને,
સ્વર અનાહત- આહતીમાં ઝૂમી આવ્યો.
રાજુભાઈ ગોહિલ.