મનુષ્ય મનુષ્ય વચ્ચે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા પ્રદેશ આકાર વિચાર વગેરે અનેક ભેદના પહાડ ઉભા છે એને ઓગાળતું એક દિવ્ય તત્વ આ કવિએ શોધી લીધું છે અને એને ગઝલરૂપે આપણી સામે મૂકે છે ત્યારે એમના જન્મદિવસે ચાલો માણીએ...
મને પ્રેમ કર...
રિષભ મહેતા
ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર,
હું બચી જઈશ મને પ્રેમ કર.
બધા વેદ,ગ્રંથ,પુરાણ સૌ,
હું કળી જઈશ મને પ્રેમ કર.
એક શબ્દમાં એક શ્લોકને,
હું રચી જઈશ મને પ્રેમ કર.
હું ખીલી ગયો તને જોઈને,
હું ખરી જઈશ મને પ્રેમ કર.
છું તૂટી જવાની અણી ઉપર,
હું ટકી જઈશ મને પ્રેમ કર.
હું નથી શીખ્યો હજુ જીવતા,
હું મરી જઈશ મને પ્રેમ કર.
હુંય સૂર્ય છું હુંય ચંદ્ર છું,
હું ઉગી જઈશ મને પ્રેમ કર.
હું નથી જ સુંદર તે છતાં,
હું ગમી જઈશ મને પ્રેમ કર.
અડીખમ ઉભો હું પહાડ સો,
હું ઝૂકી જઈશ મને પ્રેમ કર.
હું અમસ્તો બેઠો નથી અહીં,
હું ઉઠી જઈશ મને પ્રેમ કર.
ગુમ હું થયો છું ન જાણે ક્યાં?
હું મળી જઈશ મને પ્રેમ કર.
છું જનમથી શ્વાસની કેદમાં,
હું છૂટી જઈશ મને પ્રેમ કર.
Rishabh Mehta sir happy birthday