*ગઝલ*
તારા વિશેનું પાંગળું ને અલ્પજ્ઞાન છે,
તું હોય કે ના હોય એ બંને સમાન છે.
તાત્પર્ય એનું એટલું કલ્પી શકે છે તું,
માણસ હજીયે પૂર્ણ રીતે બેજબાન છે.
અફસોસ કે પાંખો મળી આંખો ગયા પછી,
મારી નજરમાં ક્યાં હવે કોઈ આસમાન છે.
તારા સુધીનો માર્ગ જાણું છું જટિલ છે,
સદ્ભાગ્ય કે શબ્દોનું આ પુષ્પક વિમાન છે.
છોડી બધાય દંભ ને નીકળી પડો તમે,
અંતઃકરણના મૌનનું આ આહ્વાન છે !
*સ્નેહલ જોષી*