બસ ઘડીભરનો જ આ અંધાર છે,
કોડિયું સૂરજ થવા તૈયાર છે
હોય સુંદર તે બધું સુંદર નથી,
લાશ પર પણ ફૂલનો શણગાર છે!!
શ્વાસ ને ઉછ્વાસ વચ્ચે જીવું છું,
રોજ મારો એ નવો અવતાર છે.
સૌ ખુલાસા તું ખુદાને આપજે,
આ જગત આખુંય ગુનેગાર છે.
એક રાવણ રોજ બાળું ભીતરે,
એજ મારી જાતનો ઉધ્ધાર છે.
સૌ પ્રસંગે હાજરી આપે સતત,
આંસુ સાથે બહુ જુનો વેવાર છે.
છાતી 'સાગર'ની ચીરીને પાર ગઈ,
શાયરી મારી ઘણી દમદાર છે.
રાકેશ સગર 'સાગર' વડોદરા