ગઝલ : --- સજનજી દોડતા આવે .....
કવિયિત્રી : --- જીજ્ઞા મહેતા
સજાવી લો હવે ભીતર સજનજી દોડતા આવે ,
નદીમાંથી બની સાગર સજનજી દોડતા આવે .
નજરની બારસાખો પણ તમારી રાહ જુએ છે ,
હવે અદ્દલ બની ઈશ્વર સજનજી દોડતા આવે .
તમે રંગો હું આકૃતિ સજાવી એક રંગોળી ,
હવે જીવંત થૈ અંદર સજનજી દોડતા આવે .
જરા અમથી મુસીબત હો છતાં પણ દોટ મૂકીને ,
પહેરીને પગે સ્લીપર સજનજી દોડતા આવે .
તમે તો વ્હાલ સમજીને અમોને પી ગયેલાં એ ,
અધૂરા લાડ ને ખાતર સજનજી દોડતા આવે .
જીજ્ઞા મહેતા