ભુલાવી દે વ્યથા ઈશ્વર મજાનો છે
ખુશી આપે સદા ઈશ્વર મજાનો છે
ઉગામેના કદી લાઠી, દયાળુ જ છે
કરે છે કયાં સજા ઈશ્વર મજાનો છે
સિહાસન કે ન ગાદી જોઇએ એને
હૃદયમાં લે જગા ઈશ્વર મજાનો છે
ભજો હા રામ કે દોસ્તો રહીમ તમે
ફકત નામો જુદા ઈશ્વર મજાનો છે
કહે છે જો પ્રવાસી ઢોલ પીટીને
લખી રાખો બધા ઈશ્વર મજાનો છે
કૌશિક પટેલ પ્રવાસી