(ગઝલ છે જ એવી)
સીધુંસટ કહી દે ગઝલ છે જ એવી
ફટોફટ કહી દે ગઝલ છે જ એવી.
ન આછું,ન ઊણું,ન કાચું ન કોરું,
કટોકટ કહી દે ગઝલ છે જ એવી.
તમે એક પળ ધ્યાન ચૂકી જશો ના,
સટોસટ કહી દે ગઝલ છે જ એવી.
ફક્ત એક અણસાર પામો પછી તો
બધું ઝટ કહી દે ગઝલ છે જ એવી.
શબદ સાથ બાલીશ રમત આદરી તો
"અરે, હટ"કહી દે ગઝલ છે જ એવી.
- વિનોદ ગાંધી