ઊગતાં સૂરજને જોઈ, વિચાર આવે કે!
કોણ પૂરતું હશે રંગ, એની ઊગતી લાલિમા માં?
રૂપેરી ચંદ્ર ને જોઈ, વિચાર આવે કે!
કોણ આપતું હશે રૂપ, એને ઊંચે આકાશ માં?
ટમટમતા તારલા ને જોઈ, થાય મન માં કે!
કોણ જડતું હશે હીરા,એની ઊંધી ચંદેરી માં?
વરસતાં વરસાદ ને જોઈ, વિચાર આવે કે!
કોણ સીંચતુ હશે પાણી, એને ઊંચે વાદળ માં?
લીલીછમ ધરતી ને જોઈ, થાય મન માં કે!
કોણ રોપતું હશે બીજ, એના ઊંડા પેટાળ માં?
સૂકા ભઠ રણ ને જોઈ, વિચાર આવે કે!
કોણ ઠાલાવતું હશે રેતી, એની તપતી ધરતી માં?
ખળખળતી નદીઓ ને જોઈ, થાય મન માં કે!
કોણ ભરતું હશે નીર, એની વહેતી ધારા માં?
ઉડતાં પંખીડાને જોઈ, થાય મન માં કે!
કોણ ભરતું હશે હવા, એની નાની પાંખો માં?
થનગનતા મોરલા ને જોઈ, થાય મન માં કે!
કોણ ભરતું હશે રંગ, એનાં સુંદર પીંછા માં?
કરામત કુદરત ની જોઈ, વિચારે "લાડુ" કે!
શું પામી શકાય એ ભેદ, અકળ આ કુદરત નો?
©✍️- ખ્યાતિ સોની "લાડુ"
૦૮/૧૨/૨૦૨૦