*જો તારી પાસે સમય હોય તો!*
આ મારી આંખો,
જેને વાંચી તું પ્રેમમાં પડ્યો હતો,
જેમાં તું ખોવાઈ જતો હતો,
હજુ એ એવી જ છે, અને હું પણ...
હા!
હજુ આ દિલનું ગુલાબ મહેકે છે,
આ પ્રીતની નદીમાં એજ કલશોર છે,
દરિયાને મળવાની એજ તાલાવેલી છે,
જે પહેલા હતી..
હૈયે હજુ વાસંતી વાયરા વાય ,
ને જોબન મધમધે છે,
ઇચ્છાઓના મોજા કાંઠા તોડવા આતુર છે,
રોજ તને જોઈ ગાલની લાલી ઉભરાય છે,
તન-મન પ્રણયની વર્ષામાં ભીંજાવા આતુર છે.
પણ.....
તારી નજર મારા પર પડે તોને?
બાળકો, ઓફીસ અને વ્યસ્તતા,
એમાંથી બહાર નીકળે તોને?
હું હજુ આ બધા વચ્ચે
તારી સાથે જ છું,
પણ...તું?
ખેર બધું જ છે,
પણ તું મને જુવે તો!
જો તારી પાસે સમય હોય તો...!
-સંદીપ આર. ભાટિયા