લગાગાગા લગાગાગા લગાગાગા
નથી મળવાના તો પણ માંગી બેઠો છું.
તમોને એ હદે હું ચાહી બેઠો છું,
તમારા માત્ર એક મેસેજને મળવા,
હૃદયને ઓનલાઈન રાખી બેઠો છું.
દિશાવિહીન છે ચારે દિશા એથી,
હવામા રેતને સરકાવી બેઠો છું.
ધરા થર થર નથી કાંપી રહી, આ તો,
દબાયેલું દરદ ઉથલાવી બેઠો છું.
ઉઘાડે છોગ આવી છે તમારી યાદ,
પરંતુ લાગણી સંતાડી બેઠો છું.
છવાયા છો તમે મસ્તિષ્ક પર એથી,
નયનમાં જાગરણને આંજી બેઠો છુ.
પ્રણયના આંસુઓને રોકવા કાજે,
ગઝલમાં દર્દને શણગારી બેઠો છુ.
-- દિલીપ ચાવડા 'દિલુ'