દરિયાના ઘૂઘવાટે દરિયાની કવિતા...
દરિયે બેસો તો તમે સાચા,
દરિયાને જોઈ તમે મૂંગા થઇ જાવ અને દરિયાને ફૂટે છે વાચા.
આંખો પણ એક રીતે દરિયો કહેવાય
એમાં તરતા ન આવડે તો ડૂબો,
દરિયો તો એક તક આપી પણ દે
નથી આંખોમાં કોઈ મનસૂબો !
દરિયાનાં પાણી તો પાકટ કહેવાય, સાવ આંખ્યુંનાં નીર રહ્યાં કાચા.
દરિયાની વાણીની વાત કરું તમને
તો મારી વાણીનું શું ?
બીજા તો ઠીક બધા ચૂપ થઈ સાંભળે
પણ દરિયાના પાણીનું શું ?
દરિયાના ઘુઘવાટો સામે આ મારા તો શબ્દો પડે છે સાવ ટાંચા !
દરિયે બેસો તો તમે સાચા.
#સ્નેહલ_જોષી