પાણી સમા પ્રસંગના ચિત્રો હું દોરતો
કાંઠા સમા ઉમંગના ચિત્રો હું દોરતો
વહેતી નદીની મધ્યમાં ફેંકીને કાંકરી
શૈશવ સમા તરંગના ચિત્રો હું દોરતો
અજવાળવા તમારા નયનની પછીતને
આષાઢી સાત રંગના ચિત્રો હું દોરતો
આકાશથી અગાશીનું અંતર ઘટાડવા
પંખી સમા પતંગના ચિત્રો હું દોરતો
તારા સ્મરણની વાતને શબ્દોમાં ઢાળવા
કોયલ સમા વિહંગના ચિત્રો હું દોરતો
- દર્શક આચાર્ય