- તારા શર્ટને બટન ટાંકતાં-ટાંકતાં
જીવનનાં કેટલાં વર્ષોને ટાંકી દીધા એક જ
હ્રદય પર !
ચાંદલો ગોળ ગોળ કરતાં કરતાં
જોયા કર્યો આયખું આખું તારો જ ચહેરો
અરીસામાં !
અને
ખબર પણ ન પડી તેમ સોફા, શોકેઈસ
ફ્રિજ અને ટી. વી. ક્યારે આવ્યાં
અને તેના પર પિંકુનો ફોટો ક્યારે મૂકાઈ
ગયો !
રીલ પરનો દોરો ખેંચતા ખેંચતા
દરિયાકિનારે તું સિસોટી વગાડતો
એ જ આજેય પિંકુને રમાડતાં રમાડતાં તું
વગાડે છે
આમેય આખો દરિયો જ તું તો હોઠ પર
વગાડતો
હોય છે ને ?
કહે છે કે પૃથ્વી પર રોજ એક છોકરી
સોળ વરસની થઈ જાય છે !
- - - જ્યોત્સના ત્રિવેદી