ભીંત પર રાખી હતી મોટી છબી એ ઝાંખી થઈ ગઈ,
બાપ પરની લાગણીઓ પણ હવે આભાસી થઈ ગઈ.
રોજ આંદોલન કરે છે કોઈના કોઈ સ્વરૂપે,
મારી સાથે મારી ઈચ્છાઓ બધીયે બાગી થઈ ગઈ.
આઠમાં માસે થયું સીઝર વહુનું, બેબી આવી,
ને વૃધ્ધાશ્રમમાં જ રહેતી ઘરડી ડોશી દાદી થઈ ગઈ.
કોક વેચાઈ ગયાં ને કોક વ્હેંચાઈ ગયાં છે,
રાજકારણથી પ્રજાની કેટલી બરબાદી થઈ ગઈ.
મેં પરીમાં રંગ પૂરી લાવવાનું કામ સોંપ્યું,
ઢીંગલીની જીદ કરતી નાની બેબી રાજી થઈ ગઈ.
ચાલવામાં સ્હેજ ઠોકર વાગીને ઉખડી ગયો નખ,
યાદ તારી એ રીતે તો એ રીતે પણ તાજી થઈ ગઈ.
મેં ભીતરથી પ્રેમના જાળાય ખંખેરી લીધાં છે,
તેં દીધેલી વેદના મારા હૃદયની દાસી થઈ ગઈ.
દાખલો આવકનો માંગે છે પ્રણય પહેલાં જ 'સાગર',
જો હવે ગઈ કાલની આ છોકરી સરકારી થઈ ગઈ.
રાકેશ સગર, સાગર, વડોદરા