દરિયાની હેલી....
દિલમાં હતા ઉમંગો સાગર તરી જવાના
દરિયાની હેલી માફક સઘળે ફરી જવાના
ઝરણું તરસ છિપાવે એ વાત છે તો સાચી
ખુદની તરસ લઈને ચાતક મરી જવાના
વગડા વચાળે મળશે એ વાત નો'તી જાણી
એ વાયરે ઉડીને સર.. સર સરી જવાના
જો આવશે અહીં તો કહેવું છે સત્ય મારે
આ પ્રેમથી છલોછલ ગાગર ભરી જવાના
ઈશ્વરનાં હાથમાં છે આ ભવને તારવાનું
શબ્દોના દ્વાર પર તો સ્વસ્તિક કરી જવાના .
-- હર્ષિદા દીપક