ગીત /ઝાડપાન
શાખા વધારી એક ઝાડવું રે ઝૂલ્યું ઝૂલ્યું કાંઈ લીલેરે પાન,
પાન પાન ધારે છે બિલકુલ પોતીકું અઘરું અઘરું રે અભિયાન !
પૂછે પવનને કઈ દિશ છે નવલી, ભૂમિ રસાળ ને વિશાલ,
ઉપરથી જોઈએ સરવરનાં નીર જેને કાંઠે રે રહેતાં પ્રવાલ,
મૂળિયાંથી ઝાડવું ફેલાવી હાથ એનાં આમળે રે કૂણેરા કાન !
શાખા વધારી એક ઝાડવું રે ઝૂલ્યું ઝૂલ્યું કાંઈ લીલેરે પાન !
એક પગ ઊભવું છે આગવી કો' રીત ને ફરફરવું બીજી છે રીત
છુટ્ટુ પડેલ પાન આખરમાં જાણતું મહામૂલી છોડી રે પ્રીત !
બહોળું કુટુંબ છોડી પીવાને પામશે આખર તો કેવળ વેરાન !
શાખા વધારી એક ઝાડવું રે ઝૂલ્યું ઝૂલ્યું કાંઈ લીલેરે પાન !
----------ગુણવંત ઉપાધ્યાય
02122020