શીર્ષક: ગિરનાર
***************************
કંઇક જોગી તપ ધરે ગિરનારમાં,
ઓલિયા ઝોળી ભરે ગિરનારમાં.
એ ડણક સાવજની ચારેકોર ને,
મોજથી છુટ્ટા ફરે ગિરનારમાં.
વાવ ને નવઘણ કુવો જુનાગઢે,
આગવી ઓળખ કરે ગિરનારમાં.
ટૂંક દત્તાત્રેયની ચડ્યા પછી,
સૌના દુખડા એ હરે ગિરનારમાં.
કેટલાં પરચા મળ્યાં છે સાચનાં,
વારતા સૌ પાંગરે ગિરનારમાં.
હાથ રાણકનો અડે પથ્થરને ત્યાં,
આજ પણ એ થરથરે ગિરનારમાં.
કુંડ દામો ને મૃગી ભવનાથમાં,
એ ધજાઓ ફરફરે ગિરનારમાં.
************************
મીના વ્યાસ