🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
પુરુષપંખી
પત્થર તોડી પાંગરી જાતું ફૂલડું છે અણમોલ.
ધખધખ કઠણ છાતીએ છે હૈયું ઓળઘોળ.
વનવગડે મૂંગા માળે ટહુકા ઝંખી છાનું ચરતું.
મોરપીંછના મલકાટે ધૂમ ધડામ્ દઈ ઉઘડતું.
અંદર ઝણણણ ઝીણી ઝાલર કાયમ રહે અબોલ.
પત્થર તોડી પાંગરી જાતું ફૂલડું .....
માથે હળવા હાથે થરકી આંગળિયું જો ફરતી,
તો ટાઢક વળતી ખોળે ઝૂકી લાગણિયું મઘમઘતી.
આંખો ખટરાગી થાતી જો વટકે દીધા કોલ.
પત્થર તોડી પાંગરી જાતું ફૂલડું .....
ખેંચે સુંદર મોહક સોબત ઊંડી મૂળલગ ખેંચાય,
ભરોસો ભૂલે ભાન તો બમણા વેગે ઝનૂની થાય.
જરા મચક ન આપે-લથબથ ધીંગાણું રહબોળ.
પત્થર તોડી પાંગરી જાતું ફૂલડું .....
ઝેર વેર અથડાતા ધીંગા ઢોલીએ વધતો ભાર,
ના ભેદાતી દિવાલ મર્મી-પલાળે ઓશિકાની ધાર.
ભીંજાતું પીંજાતું આ પીંજરનું પંખી રાતું ચોળ.
પત્થર તોડી પાંગરી જાતું ફૂલડું .....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀