ગઝલ - ઈશ્વર તને હું શું કહું?
આવી તકેદારી હતી, ઈશ્વર તને હું શું કહું?
પૂછી નથી તબિયત કદી, ઈશ્વર તને હું શું કહું!
આ છે અમારી સાદગી, ઈશ્વર તને હું શું કહું?
તારા સુધી પ્હોંચ્યા પછી, ઈશ્વર તને હું શુ કહું?
રસ્તે સુતેલા બાળકોને એક ટકનું દઇ દે બસ,
મારી અરજ છે આટલી, ઈશ્વર તને હું શું કહું?
સંસ્કારની વાતો ય કરવી ખોટી છે એની કને;
બોલ્યો નથી મોઢે હરિ, ઈશ્વર તને હું શું કહું?
સૌ મંદિરે દર્શન કરે છે ધ્યાનથી , હું તો પછી-
જોયા કરું તારી છબી, ઈશ્વર તને હું શું કહું?
કોઈ કહો કેવી રીતે ઈશ્વર લગી પ્હોંચી શકાય;
બહુ મેં બુમો પાડી પછી , ઈશ્વર તને હું શું કહું?
હું તો વિચારોમાં પડી જાઉં છું સૃષ્ટિ જોઇને;
તારી કળા છે આગવી, ઈશ્વર તને હું શું કહું?
તું તો છો સર્જનહાર દુનિયાનો અને તારી તરફ-
ચીંધી શકું ના આંગળી , ઈશ્વર તને હું શું કહું?
તું ચિત્ર માફક હોય છે, સુખ-દુઃખ શું સમજી શકે?
રડતો મળે છે આદમી, ઈશ્વર તને હું શું કહું?
અંતે નિવારણ એજ છે મારું મને નડશે 'રહીશ'
'મેં બહુ બધી ભૂલો કરી',ઈશ્વર તને હું શું કહું?
કોઈ જનમ લે છે તો કોઈ મૃત્યુ પામે છે 'રહીશ'
જીવન-મરણ છે હરઘડી, ઈશ્વર તને હું શું કહું?
~દીપક કે. સોલંકી 'રહીશ'