ગઝલ ~ હર્ષ બ્રહ્મભટ્ટ
જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.
"જા, તારું ભલું થાય" કહી કેમ હસ્યા એ?,
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.
દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.
તારાથી છલોછલ છું હું, ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.
જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.