ૐ
ચીસ એ પાડી ઉઠેને એટલી ફરિયાદ ના કર;
એમ ખુદ તારા જ માંથી તું ખુદાને બાદ ના કર.
પ્રાર્થના કરવી જ હો તો રોજ તું કરને ભલા;
આમ તકલીફોની વચ્ચે ક્યાંક તું એકાદ ના કર.
થાય છે ઓછા સતત એ વાતનો સ્વીકાર કરને!
શ્વાસ ગણવામાં તું બાકી શ્વાસને બરબાદ ના કર.
છે દિશાઓ દસ અગર વધવું જ તારે હોય આગળ;
અન્યનું શોષણ કરીને જાતને આબાદ ના કર.
શું સમયની સાથ તું પણ જાય છે બદલાઈ કે નહીં?
કાલ તારી જે હતી એ
જાતને તું યાદ ના કર.
ડૉ. મુકેશ જોષી